શુક્રવાર, 14 ઑગસ્ટ, 2009

તો લખુ..‘ઈશ્ક’પાલનપુરી

ભીતરે વાંઝણુ રણ મળે તો લખુ,
ને હરણ ઝાંઝવા ને છળે તો લખુ.

એમનું એ સ્મરણ શ્વાસ માં ઓગળે,
આ હ્રદય કોઈ દિ’ ખળભળે તો લખુ.

આજ મારી ગઝલ સાંભળી ને પછી,
દાદમાં કોઈ પાંપણ ઢળે તો લખુ.

આપણે અર્થને પામવા ક્યાં હતાં ?
રક્તમાં શ્બ્દ તારા ભળે તો લખુ.

જિંદગી ઝેર જેવી બની ગઈ હવે,
વેદના સર્પ થઈ સળવળે તો લખુ.

‘ઈશ્ક’તું બેફિકર બોલજે આ ગઝલ,
આ બધા આજથી ટળવળે તો લખુ.

[છંદઃગાલગા ગાલગા ગાલગા ગાલગા]

– ‘ઈશ્ક’પાલનપુરી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો