માળામાં ફરક્યું વેરાન !
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !
ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં
સૈયરના દાવ નતા ઉતર્યા;
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર -
ફેર હજી એય ન’તા ઉતર્યા;
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું
જોબનનું થનગનતું ગાન !
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન.
આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને
ભૂલી જવાના વેણ માગ્યાં !
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું
ચોરી ગયું રે કોઈ ભાન !
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !
- માધવ રામાનુજ
એક એવું ઘર મળે.....
એક એવું ઘર મળે આ વિશ્ર્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું.
એક એવું આંગણું કે જયાં મને;
કોઈ પણ કારણ વગર શૈશવ મળે!
એક બસ એક જ મળે એવું નગર;
ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;
‘કેમ છો ?’ એવું ય ના ક્હેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે!
એ એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું!
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરનાં આગમનનો રવ મળે!
તો ય તે ના રંજ કૈં મનમાં રહે-
અહીંથી ઊભો થાઉં ને મ્રુત્યું મળે…
- માધવ રામાનુજ
પાસપાસે તોયે.........
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.
રાતદીનો સથવાર તે સામે મળવાનું તો
કોઇ દહાડો સુખ મળતું નથી,
આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
ફળિયામાં સળવળતું નથી;
આસુંનેયે દઇ દીધો છે ભવનો કારાવાસ…
પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !
ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઇ ભીંત હશે,
કે યાદ જેવું કોઇ બારણું હશે?
પડખે સૂતાં હોય ને લાગે શમણાનો સહવાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.
- માધવ રામાનુજ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો