એક બે ત્રણ ચાર છોડી દે.
ઊગતો અંધકાર છોડી દે.
તોજ નમણી નિરાંત નિરખાશે,
તુ તને બારો બાર છોડી દે.
આપમેળેજ આવી મળશે એ,
અહર્નિશ એના વિચાર છોડી દે.
આજની મહેકજ માણી લે,
કાલનો ઘેઘૂર ભાર છોડી દે.
હાથમાં લેવું પડે હલેસું પણ ,
માત્ર મનનો મદાર છોડી દે.
સુખની ચાવી તનેય સાંપડશે,
એક અમથી નકાર છોડી દે.
છેડ છાડ ઝાઝી તું રહેવા દે,
સ્હેજ છેડીને તાર છોડી દે.
પ્રાણ પ્રગટી જશે સ્વયંય એમાં,
શબ્દની સારવાર છોડી દે.
- નીતિન વડગામા
કોઇ આવીને ઊભું છે આંગણામાં .......
કોઈ આવીને ઊભું છે આંગણામાં,
થાય છે મારું રૂપાંતર બારણામાં.
સ્હેજ પણ એના સગડ ક્યાં સાંપડે છે ?
શ્વાસ પણ ખર્ચાય કેવળ ધારણામાં.
એટલે અંદર અજંપો ઊછરે છે,
કૈંક ખૂટે છે હજી પણ આપણામાં.
એક ક્ષણ બાળી અને ધરબી દીધી છે,
તોય એ ઊગ્યા કરે સંભારણાંમાં.
વય વધે છે, સૂર્ય પણ માથે ચડે છે,
ને બધાં પોઢી રહ્યાં છે પારણામાં.
સાંજ સઘળી ડૂબતી જાયે છતાંયે,
મન હજી પણ વ્યસ્ત છે વિચારણામાં.
- નીતિન વડગામા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો