છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે?
ફના થઇ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે?
શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના?
બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે?
અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની,
નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે?
થોડી લાગણી બતાવી અમારે મન અહો-અહો
જિંદગી આરામથી પસાર થશે, દિલ કોને જોઇએ છે?
ફેફસામાં પુરી રાખી છે, કોઇની યાદોને અકબંધ
નથી કંઇ અનલ, હવે અનિલ કોને જોઇએ છે?
જિંદગીથી કંટાળી જઇશું ત્યારે ચોક્કસ યાદ કરીશું
એક નજર કરી લેજો, વિષ કાતિલ કોને જોઇએ છે?
વિશાલ મોણપરા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો