તારી ઉદાસી સાંજને શણગારવા પ્રિયે!
લે મોકલું, મઘમઘ તને સપનાં નવાં પ્રિયે.
પ્હેલા તો આંખો બંધ કર, … ઉઘાડ લે હવે;
ઝગમગ થતી દેખાય છે ખુલ્લી હવા પ્રિયે?
એકાદ અમથું ફૂલ તું ધારી લે મન મહીં,
બાકી બધું થનગન થવાનું મ્હેકવા પ્રિયે!
ઊભાં છે ઊંચા હાથ લૈ ને પામવા તને–
આ ઝાડવાંને ક્યાં જઈ સંતાડવા પ્રિયે?
આ ચાંદનીનાં વસ્ત્ર છે તે શોભશે તને,
કેવી રીતે તારા લગી પ્હોંચાડવાં પ્રિયે?
કે તું જ આવી જા પવનની પાલખી લઈ,
દેખાડશે રસ્તો અહીંના ઝાંઝવાં પ્રિયે!
–હર્ષદ ત્રિવેદી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો