skip to main |
skip to sidebar

અહીં પ્રેમ કેરો સાદ છે
પ્રભુજીનો પ્રસાદ છે
ને પ્રકૃતિનો વરસાદ છે !
બૉસ, આ ગુજરાત છે !
અહીં નર્મદાનાં નીર છે
માખણ અને પનીર છે
ને ઊજળું તકદીર છે !
યસ, આ ગુજરાત છે !
અહીં ગરબા-રાસ છે
વળી જ્ઞાનનો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે
અલ્યા, આ ગુજરાત છે !
અહીં ભોજનમાં ખીર છે
સંસ્કારમાં ખમીર છે
ને પ્રજા શૂરવીર છે !
કેવું આ ગુજરાત છે !
અહીં વિકાસની વાત છે
સાધુઓની જમાત છે
ને સઘળી નાત-જાત છે
યાર, આ ગુજરાત છે !
અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે
ને શૌર્યનો સહવાસ છે !
દોસ્ત, આ ગુજરાત છે !
રોહિત શાહ
લટથી…

જય જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત,
તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત-
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશામાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ,
ને સોમનાથે ને દ્રારકેશ એ, પશ્ર્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય,
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર,
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે
બૉમ્બની માફક પડે કાયમ સવાર
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે
કોઇ સપનું છીછરું વાગ્યું હતું
ને જનોઇવઢ સબાકા નીકળે
સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે ?
એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે ?
મુઠ્ઠીઓ ખૂલે ને મડદાં નીકળે
દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે
વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં
કોઇ અશ્મીભૂત શ્રધ્ધા નીકળે
માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઇ હરએક રસ્તા નીકળે
‘ર’ નિરંતર મેશ-માં સબડે અને
સુર્ય પણ નીકળે તો કાળા નીકળે.
- રમેશ પારેખ

સંબંધોય કારણ વગર હોય જાણે,
આ માણસ બીજાઓથી પર હોય જાણે.
ઉદાસી લઇને ફરે એમ પાગલ,
રહસ્યોની એને ખબર હોય જાણે.
મકાનોમાં લોકો પુરાઇ ગયા છે,
કે માણસને માણસનો ડર હોય જાણે.
હવે એમ વેરાન ફાવી ગયું છે,
ખરેખર આ મારું જ ઘર હોય જાણે.
પવન શુષ્ક પર્ણો હઠાવી જુએ છે,
વસંતોની અહીંયા કબર હોય જાણે.
કરે એમ પૃથ્વી ઉપર કામનાઓ,
બધા માનવીઓ અમર હોય જાણે.
ક્ષિતિજરેખ પર અર્ધડૂબેલ સૂરજ,
કોઇની ઢળેલી નજર હોય જાણે.
- આદિલ મન્સૂરી