શુક્રવાર, 14 ઑગસ્ટ, 2009

માણસ છે, બિઝનેસ કરે છે


પતંગિયાની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બિઝનેસ કરે છે.

અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,
પોતે તડકો થઈને વ્યાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

સંબંધોની ફાઈલ રાખી ને ચહેરા પર સ્માઈલ રાખી,
લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ છાંટી,
જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બિઝનેસ કરે છે.

કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
માગે તે ટહુકા આલાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતાં હસતાં,
જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

પોતાનું આકાશ બતાવી, સૂરજ, તારા, ચન્દ્ર ગણાવી,
વાદળ ફૂટપટ્ટીથી માપે, માણસ છે, બિઝનેસ કરે છે.

કૃષ્ણ દવે

મારો ઈશ્વર


મારી સાથે મારો ઈશ્વર, નિભાવે એવો નાતો
મારે ઘેરે દીવો કરવા એ પાડે છે રાતો

સમજણની દીવાલો તોડી છોને દોડી જાયે
જો ઋણાનુંબંધ હશે તો, આવશે ઠોકર ખાતો

અષાઢી રાતે તારું ન હોવું એવું કૈં ડંખે કે
ભરચોમાસે રાતી આંખે દુકાળ આ ચકરાતો

શ્વાસ અને ઉચ્છવાસની વચ્ચે એ નિરંતર વસતો
તોય નિરાકારી હોવાનો પ્રશ્ન સદા ચર્ચાતો

તું ક્યાં છે ? શું કર્મ કરે છે ? સમય એ જોવા ખોયો
હું છું તો શું ? પ્રશ્ન મને એ તેથી ના સમજાતો

સગપણ નોખું તારું, મંદિરમાં તું લાગે સૌનો
ભીતરમાં બેઠેલો તું કેવો અંગત વરતાતો

અમિત ત્રિવેદી (વડોદરા)

બહેનને સંભારતા

બહેન એટલે
ભાઈને લીલોછમ રાખતી
નિર્મળ પ્રેમની નદી

બહેન એટલે
ભાઈને સંગીતથી ભીંજવતો
કોયલનો ટહુકો

બહેન એટલે
માઁની મમતા-મૂર્તિમાંથી પ્રગટેલું
સ્નેહનું મનોહર શિલ્પ

બહેન એટલે
ભાઈના અંતરને અજવાળતી
ઝળહળ દીવાની જ્યોત

બહેન એટલે
ભાઈના કોયડા ઊકેલતી
કુદરતી બોલતી-ચાલતી કવિતા

ચંદ્રેશ શાહ

તારી ઉદાસી સાંજને શણગારવા પ્રિયે!



તારી ઉદાસી સાંજને શણગારવા પ્રિયે!
લે મોકલું, મઘમઘ તને સપનાં નવાં પ્રિયે.

પ્હેલા તો આંખો બંધ કર, … ઉઘાડ લે હવે;
ઝગમગ થતી દેખાય છે ખુલ્લી હવા પ્રિયે?

એકાદ અમથું ફૂલ તું ધારી લે મન મહીં,
બાકી બધું થનગન થવાનું મ્હેકવા પ્રિયે!

ઊભાં છે ઊંચા હાથ લૈ ને પામવા તને–
આ ઝાડવાંને ક્યાં જઈ સંતાડવા પ્રિયે?

આ ચાંદનીનાં વસ્ત્ર છે તે શોભશે તને,
કેવી રીતે તારા લગી પ્હોંચાડવાં પ્રિયે?

કે તું જ આવી જા પવનની પાલખી લઈ,
દેખાડશે રસ્તો અહીંના ઝાંઝવાં પ્રિયે!

–હર્ષદ ત્રિવેદી

હાઈકુ

દીપ હોલવું,
થશે અંધારું;અરે !
બારીમાં ચંદ્ર !
-અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
(`કિમપિ`માંથી )


ગમે તેટલી
ઉડતી ધૂળ ,ફૂલ
કદી નાં મેલા .
-પન્ના નાયક

જીવનમાં મિત્ર ના હોત તો !



જીવનમાં મિત્ર ના હોત તો !
આ જીવનને જીવન કેમ કહેવું?

મિત્રતા એક એવો દિપ છે કે જેમાં,
બંને એ એકસાથે બળવું જ પડે.

મિત્રતા એક એવો ધોધ કે જેમાં,
પડ્યાં પછી પણ વહેતાં રહેવું પડે.

મિત્રતા એક ખુલ્લું રણ કે જેમાં,
આસ પાસ બધું જ દ્રશ્યમાન છે.

મિત્રતા એક મોટું ઝરણું કે જેમાં,
વહેતાં વહેતાં જીવન જીવી જવાય.

મિત્રતા એક એવો સંબંધ કે જે,
જીવનનો ધબકાર અને શ્વાસ છે.

એટલે જ મિત્રોથી જીવું છું હું કે જે,
મારા માટે જીવાનો આધાર અને પ્રાણ છે.

-સર્વદમન

સોમવાર, 20 જુલાઈ, 2009

આ ગુજરાત છે

અહીં પ્રેમ કેરો સાદ છે
પ્રભુજીનો પ્રસાદ છે
ને પ્રકૃતિનો વરસાદ છે !
બૉસ, આ ગુજરાત છે !

અહીં નર્મદાનાં નીર છે
માખણ અને પનીર છે
ને ઊજળું તકદીર છે !
યસ, આ ગુજરાત છે !

અહીં ગરબા-રાસ છે
વળી જ્ઞાનનો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે
અલ્યા, આ ગુજરાત છે !

અહીં ભોજનમાં ખીર છે
સંસ્કારમાં ખમીર છે
ને પ્રજા શૂરવીર છે !
કેવું આ ગુજરાત છે !

અહીં વિકાસની વાત છે
સાધુઓની જમાત છે
ને સઘળી નાત-જાત છે
યાર, આ ગુજરાત છે !

અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે
ને શૌર્યનો સહવાસ છે !
દોસ્ત, આ ગુજરાત છે !

રોહિત શાહ

લટથી…